ઉનાળાના ભડભડતા તડકામાં જંગલમાં ચારેય તરફ મસ્ત ઠંડુ વાતાવરણ છવાયેલું હતું. બધા વૃક્ષો પોત પોતાના પાંદડાની ડાળીઓ આમથી તેમ હાવામાં હીંચકે જુલાઈ રહ્યા હતા. એવામાં એક માણસ જંગલમાં આવી પહોંચ્યો. તેના હાથમાં કુહાડી હતી. હાથમાં કુહાડી જોઇને વૃક્ષો પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે હવે આપણા કપાઈ જવાનો સમય આવી ગયો છે. એવામાં એક સમજદાર વૃક્ષ બોલ્યું કે એકલી કુહાડી આપણા તમામ વૃક્ષોનું કંઈ જ બગાડી શકસે નહિ. પરંતુ આપણા માંથી જ કોઈ કુહાડીની વાતોમાં આવીને તેનો સાથ આપશે. અને લાકડાનો હાથો કુહાડીમાં લગતા જ કુહાડી આપણને સૌને કાપી નાખશે. ત્યારે બાજુમાં ઉભેલાં વૃક્ષે હિન્દી ફિલ્મનો ડાયલોગ બોલીને પોતાની વ્યથા વર્ણવી કે,
“હમે તો અપનોને લૂટા ગૈરોમેં કહા દમ થા,
હમારી કશ્તી વહા ડૂબી જહાં પાની કમ થા”
જંગલમાં વૃક્ષોની આ વ્યથા કુહાડી સાંભળતી હતી. ત્યાં જ એક વૃક્ષે પોતાના દર્દ ભર્યા અવાજમાં કુહાડીને કહ્યું કે ઓ… કુહાડી, આખરે ક્યાં સુધી તું અમારા સહુનું કતલ કરતી રહીશ….ક્યાં સુધી પાપ કરતી રહીશ? મનુષ્યની જેમ અમારામાં પણ જીવ છે. અમે ફક્ત બોલી જ નથી શકતા. અને તને ખબર છે તું અમારા જ લાકડાના સહારાથી જીવી રહી છે છતાંય તું અમારું કતલ કરે છે. તને અમારી પ્રત્યે સહેજેય દયા કે લાગણી નથી થતી.
વૃક્ષની આ વાત સંભાળીને કુહાડી પોતાના દબાયેલા અવાજમાં જવાબ આપતા કહે છે કે, એ દોસ્ત ગુલામ છું હું મનુષ્યની. મારી પાસે જે કરાવવામાં આવે છે એ મુજબ જ મારે કરવું પડતું હોય છે. જેમ કહેવામાં આવે એ પ્રમાણે જ મારે મજબૂરીવશ વર્તવું પડતું હોય છે. માનવ જાતની ઈચ્છા વિરુદ્ધ કશું જ નથી કરી શકતો હું. મને માફ કરી દેજે દોસ્ત, લાચાર છું હું.કુહાડીની મજબૂરી સાંભળીને વૃક્ષ કુહાડીને કહે છે કે એક કામ કર, તું અમને બધા વૃક્ષોને કાપી નાખ. એક પણ વૃક્ષ બચવું ના જોઈએ. પછી જોજે, કોઈ તને ખોટું કામ કે વૃક્ષો કાપવાનું કહી જ નહિ શકે. તું જોજે એક દિવસ આવશે કે મનુષ્ય પાસે કશું જ નહિ હોય. કાપવા માટે વૃક્ષો બચશે જ નહિ તો શું કાપશે આ મનુષ્ય. પૃથ્વી પર જંગલ જ નહિ રહે. અને જંગલ કે વૃક્ષો નહિ હોય તો હવા, પાણી, પર્યાવરણ કશું જ નહિ રહે. એટલે હું કહું છુ તેમ તું અમને બધાને કાપી નાખ. પછી આપણે જોઈશું કે આ મનુષ્ય એકલો કરે છે શું? પછી કોને કાપશે? આપણા વિના પૂરી મનુષ્ય જાતીનું જીવન જ શક્ય નથી.
આ ટૂંકી વાર્તા, આપણને એટલે કે આખી મનુષ્ય જાતને ઘણી મોટી સીખ આપી જાય છે. વૃક્ષો જ નહિ રહે તો વરસાદ પણ વરસવાનું બંધ કરી દેશે. પછી તો પર્યાવરણનો નાશ પણ નિશ્ચિત છે. જળ એ આપણા જીવનની પ્રાથમિક જરૂરીયાત છે. ધરતી પર પાણી જ નહિ હોય તો જીવ સૃષ્ટિનું બચવું શક્ય નથી.
આપ સહુને વિનંતી છે કે આ વાર્તા ખાલી વાંચવા પુરતી 2 મિનીટ વાંચીને ભૂલી નથી જવાની, પરંતુ આપણે સહુએ એક જાગૃત નાગરિક બનીને વૃક્ષોને કપાતા અટકાવાના છે અને પરિવારમાં, સગા-સંબધીઓમાં, ઓફીસમાં, તથા મિત્રોને વૃક્ષારોપણ માટે વધુ ને વધુ જાગૃત કરવાના છે.